આયુર્વેદ અને Hypertension: આયુર્વેદિક ડોક્ટરની આ સલાહ માનશો તો ક્યારેય નહીં થાય આ જીવેલણ બીમારી!

 

Hypertension Day Theme 2022: અમુક ઉંમર બાદ વ્યક્તિમાં જ્યારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર વધી જાય ત્યારે કાર્ડિયોવસ્ક્યૂલર ડિસીઝ, સ્ટ્રોક આવવાના ચાન્સિસ પણ વધી જાય છે. WHOના રિસર્ચ અનુસાર, શહેરી વિસ્તારમાં 40 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં 18 ટકા વસતીને હાઇ બ્લડપ્રેશર છે, જે ચિંતાજનક વિષય છે કારણ કે, વધારે પ્રેશરના કારણે હૃદયને શરીરના અન્ય ભાગોમાં લોહી પહોંચાડવા માટે વધુ કાર્ય કરવું પડે છે, પરિણામે ધમનીઓ બ્લોક થવાના ચાન્સિસ પણ વધી જાય છે.

આયુર્વેદમાં હાઇપર ટેન્શનનો ઉલ્લેખ નથી

પ્રાચીન સમયમાં પણ બ્લડપ્રેશરની હાજરી હશે પણ આજે તેનું પ્રમાણ વધવા પાછળનું મૂળ કારણ છે લાઇફસ્ટાઇલ, સોશિયલ અને ઇકોનોમિ કન્ડિશન, ડાયેટ, સ્ટ્રેસ વગેરે. આ કન્ડિશન અંગે જો આયુર્વેદની વાત કરવામાં આવે તો આયુર્વેદમાં હાઇપર ટેન્શન જેવી બીમારીનો ઉલ્લેખ નથી. અમદાવાદના આયુર્વેદિક વૈદ્ય ડો. કલ્પિત ગોસ્વામી (અદ્વૈત આયુર્વેદ હોસ્પિટલ, ગોતા)એ આ અંગે વિગતે વાત કરતા જણાવ્યું કે, હાઇપર ટેન્શનના લક્ષણોનો ઉલ્લેખ વ્યાધિ, પ્રમેહ અને હૃદ્રોગ પ્રકરણમાં મળી રહે છે. આ પ્રકારના જોખમ વ્યક્તિના શરીરમાં માત્ર આહારને આધારિત નથી. તેની પાછળ બીજાં ઘણાં કારણો પણ જવાબદાર હોય છે.

અહીં જાણો, કેટલાં પ્રકારના હાઇપર ટેન્શન હોય છે, આયુર્વેદમાં હાઇપર ટેન્શનને લગતી માહિતી અને તેનાથી બચવા માટે શું કરવું જોઇએ તેની માહિતી.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા)

​હાઇપર ટેન્શનના પ્રકારો

  • પ્રાઇમરી – અજ્ઞાત મૂળથી હાઇપર ટેન્શન.
  • સેકન્ડરી – અન્ય કોઇ બીમારી જેમ કે, મૂત્રપિંડ સંબંધી કે કેન્સરના કારણે થતું હાઇપર ટેન્શન.
  • આઇસોલેટેડ સિસ્ટોલિક – મોટી ઉંમરના વ્યક્તિમાં આ કન્ડિશન સૌથી વધુ જોવા મળે છે જેમાં સિસ્ટોલિક પ્રેશર 160 mmથી વધુ હોય અને ડાયસ્ટોલિક પ્રેશર 90 mmથી વધુ હોય.
  • ન્યૂરોજેનિક – આ પ્રકારનું હાઇપર ટેન્શન મગજની નવર્સ સિસ્ટમ (sympathetic nervous system) સાથે સંકળાયેલું છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિ કોઇ કારણોસર ખૂબ જ ઉત્સાહમાં આવી જાય અથવા વધારે પડતો સ્ટ્રેસ લેતો હોય.

​આવેગોનું શમન સ્ટ્રોકને આમંત્રણ

સૌથી પહેલાં હાઇપર ટેન્શન શા માટે થાય છે તે જાણી લઇએ. ડો. કલ્પિત ગોસ્વામીના જણાવ્યા અનુસાર, વ્યક્તિ જ્યારે તેના નેચરલ વેગ જેમાં ભૂખ, તરસ સહિત અન્ય કુદરતી વેગોને અટકાવે છે ત્યારે બ્લડપ્રેશર જેવી ઉપાધિની શરૂઆત થાય છે, જે આગળ જતાં હાર્ટ અટેક અને સ્ટ્રોક બનીને સામે આવે છે. નેચરલ આવેગ એટલે કે, જ્યારે તમને ભૂખ લાગે ત્યારે કામ કે અન્ય કારણોસર તેને પાછળ ઠેલી દેવી, સમય વગર જમી લેવું, તરસ લાગી હોવા છતાં તમે વ્યસ્ત છો અને પાણી નથી પીતા. આ સિવાય બીજાં શારિરીક આવેગ જેમ કે, ઓડકાર, છીંક, વાછૂટને તમે દબાવો તો તેનાથી લોહીમાં પ્રેશર વધવાનું જ છે.

​અપુરતી ઉંઘ જવાબદાર

અગાઉ જણાવ્યું તે મુજબ પ્રાચીન સમયમાં પણ હાઇપર ટેન્શન કે બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હશે જ, પણ તે સમયે લોકોની લાઇફસ્ટાઇલ એક્ટિવ હતી, શુદ્ધ ભોજન, સ્વચ્છ હવા આ બધા કારણો પણ લોહીના પ્રેશરને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. જ્યારે આજની મોર્ડન લાઇફસ્ટાઇલમાં ફ્રોઝન ફૂડ, જંકફૂડ, કસરત ના કરવી, ડાયેટનું પ્રોપર ધ્યાન ના રાખવું અને અપુરતી ઉંઘ આ બધા જ પરિબળો તમને હાઇ બ્લડપ્રેશરના દર્દી બનાવવા પાછળ જવાબદાર છે.

ઉદાહરણ તરીકે, આજે ખૂબ જ નાની ઉંમરે લોકોને હાર્ટ અટેક આવી જાય છે, તેની પાછળ માત્ર જંકફૂડ જ જવાબદાર નથી. બીજાં બધા જ પરિબળો જેમ કે, મોડે સુધી જાગવું, એક ચોક્કસ કુદરતી સિસ્ટમની વિરૂદ્ધ જઇને જીવન જીવવાના કારણે પણ સ્ટ્રોક કે હાર્ટ એટેક જેવી બીમારીઓ આવે છે. જો નાની ઉંમરના કોઇ વ્યક્તિને હાર્ટ અટેક આવ્યો છે, તો તેનું વજન કે ફૂડ ચોઇસ જ જવાબદાર નહીં હોય, તેની બાકીની દિનચર્યા જેમ કે, યોગ્ય સમયે ના સૂઇ જવું, ભૂખ કે તરસનું દમન કરવું, નાની -નાની બાબતે સ્ટ્રેસ લેવો વગેરે પણ હાઇપર ટેન્શનને નોંતરે છે. કોઇ પણ વ્યક્તિ જેને હાર્ટ અટેક કે સ્ટ્રોક આવ્યો હોય તેની લાઇફસ્ટાઇલ જોશો તો તેમાં ઉજાગરો તો જોવા મળશે.

​આહાર અને વિહારનું રાખો ધ્યાન

આહાર એટલે કે, બેલેન્સ્ડ ડાયેટ અને વિહાર એટલે કે લાઇફસ્ટાઇલ આ બંને જો બેલેન્સમાં હશે તો જ તમારું જીવન સ્વસ્થ ગણાશે. તમારું શરીર તમને તાત્કાલિક હાર્ટ અટેક કે સ્ટ્રોક જેવી બીમારી નહીં આપે, તે નાની-નાની સિગ્નલ આપીને તમારાં વિહારમાં ફેરફાર કરવાની ચેતવણી આપશે. વ્યક્તિને સ્ટ્રોક અને હાર્ટ અટેક યોગ્ય ભોજન લેવા છતાં આવી શકે છે, કારણ કે લાઇફસ્ટાઇલમાં બેલેન્સ નથી. આ માટે સૌથી પહેલું પગથિયું છે કે, તમને જેટલી ભૂખ હોય તેટલું ખાવ, ઇચ્છા પ્રમાણે નહીં પણ તમારાં શરીરની ડિમાન્ડ અનુસાર અને પાચનક્રિયા અનુસાર ફૂડ લો. વિરૂદ્ધ આહારથી શરીરની સિસ્ટમને ક્યા રસોનું પાચન કરવું, ક્યા પ્રકારના અવશેષોને શરીરની બહાર ફેંકવા તે અંગે મૂંઝવણ થશે. ઉદાહરણ તરીકે, તમે પિત્ઝા ખાવાના શોખીન છો તો તેમાં સ્પાઇસ, ચીઝ, સ્વીટ આ તમામ પ્રકારના ટેસ્ટ હોય છે, તે શરીરમાં ગયા બાદ શરીરના અવયવોને તેને પાચન કરવામાં મુશ્કેલી ઉભી થવાની જ છે.

​ફ્રોઝન ફૂડને કહો ના

આજકાલ ફ્રોઝન ફૂડનો ક્રેઝ પણ વધારે જોવા મળે છે. લોકો શાકભાજી, ફ્રૂટ્સ ફ્રિઝ કરીને રાખે છે અને કોઇ પણ સિઝનમાં તે ખાય છે. જે ખોટું છે, સિઝનલ ફ્રૂટ્સ કે શાકભાજી જે તે સિઝન દરમિયાન જ ખાવા જોઇએ. આનાથી મેટાબોલિઝ્મ કન્ડિશનથી બચશો અને તમારું લોહી શુદ્ધ રહેશે. બીજું, લોકોમાં એક ગેરમાન્યતા છે કે, વધારે પડતું પાણી પીવાથી સિસ્ટમ સાફ થઇ જાય છે અને લોહીમાંથી ખરાબી દૂર થાય છે. હકીકતમાં, શરીરને જેટલી જરૂર હોય તેટલું જ પાણી આપો, દરરોજ બે કે ચાર લીટર પાણી પીવાથી સ્થિતિ ખરાબ થશે. રાત્રે 9 વાગ્યા પછી તમે જે જાગો છે તેને આયુર્વેદમાં ઉજાગરો કહે છે, તેથી પ્રોપર ઉંઘ લો અને સમયસર ઉંઘવાની આદત પાડો.

ઘી અને છાશની ભૂમિકા

જો તમને હાઇપર ટેન્શનની બીમારી હોય અને તમને બેલેન્સ્ડ ડાયેટ લેવાની ડોક્ટરે સલાહ આપી હોય તો ઘીને તમારાં ભોજનમાંથી ક્યારેય બહાર ના કરો. તમારાં શરીરની પાચનક્રિયાને અનુરૂપ ઘી ખાવાનું રાખો જેથી શરીરના અન્ય અવયવોને તાકાત મળી રહે. આ સિવાય છાશનું પ્રમાણ માપસર રાખો, બારેમાસ છાશ પીવાથી આગળ જતાં તમારાં જોઇન્ટ્સમાં ઘસારો આવવાની શક્યતાઓ વધી જાય છે.

ઉપરાંત શરીરની નાની-મોટી બીમારીઓને ક્યારેય અવગણશો નહીં. તમને શરીરનું કોઇ અવયવ પોતાની હાજરી નોંધાવે એટલે કે, તેમાં દુઃખાવો શરૂ થાય તો તેના મૂળ સુધી પહોંચો. જેમ કે, તમને માથાનો દુઃખાવો થઇ રહ્યો છે તો તેનો અર્થ એ છે કે, શરીરના બીજાં કોઇ ભાગમાં તેનું મૂળ રહેલું છે. શરીર ક્યારેય અલગ હોતું નથી, એકવાર માથાના દુઃખાવાની ગોળી લીધી, તેમાં રાહત મળી ગઇ તો તમે તેના મૂળને દબાવી દીધું, પણ જો ફરીથી એ જ સમસ્યા ઉભી થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. કારણ કે, તમે સ્વસ્થ છો તેનું સૌથી મોટું લક્ષણ છે કે તમને તમારાં શરીરના અંગો ફિલ નથી થઇ રહ્યા, તમારાં શરીરની સિસ્ટમ આપમેળે અને યોગ્ય રીતે કામ કરી રહી છે. નાની-મોટી સમસ્યા એ મોટી બીમારીની સિગ્નલ છે.

​શું હાઇપર ટેન્શન વારસાગત હોઇ શકે?

હાઇપર ટેન્શન લાઇફસ્ટાઇલને લગતી ડિસીઝ છે, જો તમે મોડાં સુધી જાગતા હશો, તમારાં ઘરમાં અમુક જ પ્રકારના ભોજન લેવાતા હશે તો તમારું બાળક પણ એ જ શીખશે અને આગળ જતાં તેનામાં હાઇપર ટેન્શનના લક્ષણો જોવા મળશે. લાઇફસ્ટાઇલ ડિસીઝ વારસાગત નથી હોતી, જો તમારાં માતા કે પિતાને હાઇપર ટેન્શન હોય પણ તમે સમયસર તમારાં આહાર અને વિહારને બેલેન્સ કરી લેશો તો તમને આ બીમારી ક્યારેય નહીં થાય. કારણ કે, વારસાગત બીમારી એને કહેવાય જે જન્મના 4થી 15 વર્ષની વચ્ચે આવી જાય, તમારાં પેરેન્ટ્સને હાઇપર ટેન્શન હોય અને તમને 45 કે 50ની ઉંમરે હાઇપર ટેન્શન આવે તો તે વારસાગત નહીં પણ લાઇફસ્ટાઇલના અનુકરણનું પરિણામ છે.

આયુર્વેદમાં હાઇપર ટેન્શનનો ઉલ્લેખ નહીં હોવા છતાં તેના લક્ષણોમાં જો તમને વારંવાર માથાનો દુઃખાવો થતો હોય, ચક્કર આવતા હોય, થાક લાગતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

નોંધઃ આ લેખ સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Source link