આણંદના મઘરોલ ગામે પત્નીની ઘાતકી હત્યા કરીને ફરાર થયેલા પતિની લાશ મળી!

 

આણંદ: આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મઘરોલ ગામ ખાતે રિસાઈને ગયેલી પત્નીની ચાકુના ધા ઝીંકીને હત્યા કરીને ફરાર થયેલા પતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના સોજીત્રા તાલુકાના મઘરોલમાં સાસુની નજર સામે પત્નીની હત્યા નિપજાવનાર પતિએ પણ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મઘરોલ ગામના ખ્રિસ્તી ફળિયામાં ભારતીબેન નામની યુવતીએ નજીકમાં આવેલા રોહિત વાસમાં રહેતા ભરતભાઈ રોહિત નામના યુવક સાથે 18 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ આણંદ તાલુકાના ગાના ગામે આવીને રહેવા લાગ્યા હતા. ભરત ખાનગી કપંનીમાં કામ કરતો હતો લગ્ન જીવન દરમિયાન તેમને બે બાળકો થયા જેમની ઉમર 18 અને 15 વર્ષની છે. દારૂ પીવાની ટેવ પડી જતાં ભરત પત્ની ભારતી મારતો પણ હતો. જેથી 20 દિવસ પહેલા પત્ની રિસાઈને મઘરોલ ગામ પોતાના પિયરમાં જતી રહેતા રોહિત બરાબનો ધુંધવાયો હતો.

આ દરમિયાન સોમવારે સવારે તે આવેશમાં ચપ્પુ લઈને મઘરોલ ખાતે આવી પહોંચ્યો હતો અને સીધો ઘરમાં ઘૂસી પત્નીને ચલ મારી સાથે કહ્યું પરંતુ પત્ની સાથે જવા તૈયાર ન થતાં ભરત ઉશ્કેરાયો અને ગાળો બોલવાનું ચાલુ કર્યું, જેથી સાસુ અને પત્નીએ તેને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. જેથી ગુસ્સામાં સાતમાં આસમાને પહોંચેલા ભરતે પત્નીના વાળ પકડ્યા અને તેને ઢસડીને ઘરની બહાર લઈ જઈ ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું અને ધડાધડ પત્નીના ગળા અને પેટના ભાગે ઘા મારતા પત્ની લોહીલુહાણ થઈને જમીન પર ફસડાઈ હતી.

આ દરમિયાન માતાએ બહાર આવીને દીકરીને છોડવવા માટે પ્રયાસ કરતા ભરતે ચપ્પુ ફેંકી સાસુને પણ લાત-ઘૂસા મારવાનું શરૂ કર્યું જેથી તેઓ પણ જમીન પર ઢળી પડ્યા હતા અને ભરત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્ની ભારતીનું મોત થઈ જતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ફરાર પતિની શોધખોળ હાથ ધરતાં આજે ભરત રોહિતનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

Source link