અમદાવાદ સહિત રાજ્યમાં અંગ દઝાડતી ગરમી, ત્રણ દિવસ રહેશે હીટવેવનો મારો!

 

અમદાવાદઃ ગરમીનો પારો આજે ગુજરાતમાં 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની અસર રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર રહેશે. હીટવેવ દરમિયાન તાજેતરમાં જન્મેલા બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને ખાસ સાવધાની રાખવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ, ભૂજ, નલિયા, કંડલામાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે.

ત્રણ દિવસ રહેશે હીટવેવની અસર

15થી 17 તારીખ સુધી રાજ્યમાં હીટવેવની અસર રહેશે. જેમાં અમદાવાદ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને કચ્છમાં આવતીકાલે હીટવેવની સૌથી વધુ અસર રહેશે. આ પછી 16 અને 17 તારીખ દરમિયાન પણ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર રહેશે.

હીટવેવ દરમિયાન સીધા સૂર્યના સંપર્કમાં આવનારા લોકો બીમાર પણ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા લોકોને હીટવેવ દરમિયાન સાવચેતીના પગલા ભરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં જન્મેલા બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને હીટવેવ દરમિયાન સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

હીટવેવ દરમિયાન આટલું ધ્યાન રાખવું

ગરમીનું પ્રમાણ આગામી ત્રણ દિવસ વધુ રહેવાનું હોવાથી શરીરને ઠંડક મળે તેવી જગ્યાએ રહેવાની સાથે, તરસ ના લાગી હોય તેમ છતાં પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ના જાય તે માટે ORS અને ઘરેલુ પીણા જેવા કે લસ્સી, ભાતનું પાણી, લીંબુ શરબત, છાસ વગેરેનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય સામાન્ય લોકોએ હીટવેવ દરમિયાન સીધા સૂર્ય પ્રકાશમાં બહારમાં નીકળવાનું થાય તો તડકાથી બચવા માટે સૂતરાઉના હળવા રંગના કપડા પહેરવા જોઈએ અને માથું ઢંકાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ગઈકાલના આંકડા પર નજર કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે જ્યારે ભૂજ, નલિયા, કંડલા, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈને પારો 40 પર પહોંચ્યો છે ત્યારે લઘુત્તમ તાપમાન પણ વધીને 21 પર પહોંચી ગયું છે.

Source link