અમદાવાદ: બાળકીના અપહરણ કેસમાં પોલીસે બાળ તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગને દબોચી લીધી!

 

Ahmedabad Child Trafficking Gang: અમદાવાદના ગોમતીપુરમાં 4 માસની બાળકીના અપહરણ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. અપહરણનો કેસ ઉકેલતાં પોલીસને બાળ તસ્કરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. બાળ તસ્કરી કરતી ગેંગના 9 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, સરોગસીથી શરૂ થયેલો વેપાર અંતે બાળ તસ્કરી સુધી પહોંચ્યો હતો. બાળ તસ્કરી કરતી ગેંગ દ્વારા 2 લાખ રૂપિયામાં સુરતના એક દંપતીને વેચી મારવામાં આવી હતી. પોલીસે બાળકીને સહી સલામત તેના માતા-પિતાને પરત સોંપી હતી.

અમદાવાદના ગોમતીપુરમાં 4 માસની બાળકીના અપહરણ કેસ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાની ઓળખ કરી હતી. જેના પરથી જાણવા મળ્યું હતું કે, બાળકીનું અપહરણ ચાર લોકોએ કર્યું હતું. ચાર લોકોની ધરપકડ બાદ આ સમગ્ર કેસ અપહરણ નહીં પણ બાળ તસ્કરીનો હોવાનો ખુલાસો પોલીસ સમક્ષ થયો હતો. મહેસાણાના બે અને અમદાવાદના બે આરોપીઓએ બાળકીનું અપહરણ કરી વડોદરામાં રહેતાં બે આરોપીઓને વેચી દીધી હતી. જે બાદ તેઓએ હૈદરાબાદના આરોપીઓનો સંપર્ક કર્યો હતો અને ત્યાંના એક ડોક્ટરને મળ્યા હતા. આ ડોક્ટર બાળ તસ્કરીનો માસ્ટરમાઈન્ડ હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર દ્વારા સુરતના દંપત્તિને બાળકી વેચી દેવામાં આવી હતી.

17 ફેબ્રુઆરીએ રાત્રે મહેસાણાના લાખવડના રહેવાસી ચિરાગ સાધુ, કિંજલ પરમાર અને પ્રેમી વિજય પરમાર અમદાવાદના સરદારનગરમાં રહેતા સોમેશ પૂજારી સાથે મળી રખિયાલ, બાપુનગર, સરદાર નગર અને ગોમતીપુરમાં રેકી કર્યા બાદ બાળકીનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા.આ કેસમાં સંડોવાયેલા આરોપી કિંજલ અને તેનો પ્રેમી વિજય વડોદરામાં રહેતા વર્ષા અને અશ્વિન ખસિયાને બાળકીને વેચવા હૈદરાબાદ પહોંચી ગયા હતા. જ્યાં તેમને નંદીની, રમ્યા અંજુમ અને ભવાની નામની મહિલા સાથે મુલાકાત થઈ હતી. બાદમાં હૈદરાબાદના ડોક્ટર દામોદર સાથે મળી 2 લાખમાં અપહ્યત બાળકીને વેચી નાખી હતી.

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગોમતીપુરના ફુંવારા સર્કલ વિસ્તારમાંથી ગત 17 ફેબ્રુઆરીના રોજ 4 માસની એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકીનું નામ પૂજા હતું. તેના માતા-પિતા શ્રમજીવી છે અને ફૂટપાથ પર જીવનનિર્વાહ કરતા હતા. સીસીટીવી તપાસતાં એક રિક્ષા ઉપર શંકા ગઈ હતી. જે બાદ ટીમ દ્વારા રિક્ષાનો નંબર શોધવામાં આવ્યો હતો અને ત્યારબાદ માલિક સુધી પોલીસની ટીમ પહોંચી હતી. આ રિક્ષાનો માલિક જીજ્ઞેશ પરમાર હતો. જે બાદ પોલીસ દ્વારા જીજ્ઞેશ પરમારની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં જીજ્ઞેશે બાળકોનું અપહરણ કોણે કર્યું હતું તેની માહિતી આપી હતી. મળેલી માહિતી મુજબ ચાર લોકોએ અપહરણ કર્યું હતું. જેમાં વિજય પરમાર, ચિરાગ સાધુ, સોમેશ પુજારા અને કિંજલ પરમાર. આ લોકોએ બાળકીનું અપહરણ કર્યું હતું. જે બાદ તેઓ હૈદરાબાદમાં નંદિની નામની મહિલાને મળ્યા હતા. અને આ ગેંગને 2 લાખ રૂપિયામાં બાળકીને વેચવાનું નક્કી કર્યું હતું. વર્ષાએ એક 1.10 લાખ રૂપિયા કિંજલને આપ્યા હતા. અને આગળથી તેઓએ બે લાખ રૂપિયા મેળવેલા હતા.

આ ગેંગ કેવી રીતે બની, કેટલા બાળકોને વેચવામાં આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પાંચેક બાળકોની તસ્કરીમાં સંડોવાયેલી છે તેવી આશંકા છે. અમદાવાદથી વડોદરા બાળકી 1.20 લાખમાં વેચાઈ હતી અને ત્યારબાદ વડોદરાથી 2 લાખની કિંમતમાં હૈદરાબાદ વેચાયું હતું અને ત્યાંથી સુરતના દંપત્તિને આ બાળકી પહોંચાડવામાં આવી હતી. જ્યાંથી બાળકીને સહીસલામત પોલીસ દ્વારા છૂટકારો કરાવી લેવામાં આવ્યો છે. બાળકીને ખરીદનાર લોકોનાં પણ નિવેદન લેવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સુરતના અશોક ચેટીમલ્લાંને આરોપી કિંજલનું આધાર કાર્ડ મોકલી પોતાનું જ બાળક વેચવા આવશે કેમ કે તેમના પિતાનું અવસાન થયું હોવાની કહાની પણ અશોક ચેટીમલ્લાને કરી હતી. આ ઉપરાંત આરોપી કિંજલ અન વર્ષા સરોગેસીથી બાળકો લાવતાં અને બાદમાં તેઓને વેચી દેતા હતા. પોલીસને આરોપી રમ્યાના મોબાઈલમાંથી અન્ય બાળકોના ફોટા પણ મળી આવ્યા છે. જ્યારે ઉર્મિલાએ અગાઉ પ બાળક વેચ્યું હોવાનો ખુલાસો કરતાં પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

Source link