અમદાવાદમાં ચાલુ વર્ષે પારો 40 ડિગ્રીએ વહેલો પહોંચ્યો, બે દિવસ યલો-ઓરેન્જ એલર્ટ રહેશે!

 

અમદાવાદઃ હજુ માર્ચ મહિનો અડધે પહોંચ્યો છે ત્યાં તો અમદાવાદમાં સોમવારે ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરનું તાપમાન મંગળવારે 41 ડિગ્રી પર પહોંચી જશે. આજે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની પણ આગાહી છે.

હવામાન વિભાગ દ્વારા સોમવારથી બુધવાર સુધી રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે. આ સાથે અમદાવાદ સહિત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર ને જૂનાગઢમાં હીટવેવની અસર રહેશે.

આજ સ્થિતિ મંગળવારે પણ રહેવાની છે પરંતુ કચ્છમાં ઓરેન્જ એલર્ટ યલોમાં પરિવર્તિત થશે. બુધવારે પણ રાજ્યના ઘણાં ભાગોમાં હીટવેવની અસર રહેશે. હીટવેવ દરમિયાન લાંબા સમય સુધી ગરમીમાં કે ભારે કામ કરનારા લોકોને બીમાર બનાવી શકે છે. આ સિવાય જેમની તબિયત સારી નથી રહેતી તેમણે પણ યલો એલર્ટ દરમિયાન કાળજી રાખવાની જરુરી છે.

ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, “આગામી બે દિવસ (આજે અને કાલે) તાપમાન 1-2°C વધી શકે છે. હીટવેવની ગંભીર અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે. આ સાથે અમદાવાદમાં તાપામાનનો પારો 40-41°C રહેવાની સંભાવના છે.”

એક્સપર્ટ્સ જણાવે છે કે, સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં માર્ચ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચે છે, પરંતુ તે મહિનાનો અંત ભાગ હોય છે. ત્રણ દિવસનો હીટવેવનો સમય પૂર્ણ થયા બાદ રાજ્યમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહી શકે છે. સોમવારે રાજ્યાના 23 હવામાન સ્ટેશનમાંથી 7 સ્ટેશન પર તાપમાનનો પારો 40 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભૂજમાં સૌથી ઊંચું 41 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

આરોગ્ય નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે હીટવેવ દરમિયાન લાંબો સમય સૂર્ય પ્રકાશમાં રહેવાનું ટાળવું જોઈએ. આ દરમિયાન તાજેતરમાં જન્મેલા બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોની પણ ખાસ કાળજી રાખવી જરુરી છે. હવામાન વિભાગે પણ હીટવેવ દરમિયાન બહાર નીકળવું જરુરી બને તો માથું અને શરીર હળવા રંગના સુતરાઉના કપડાથી ઢંકાયેલુ રહે તેનું ધ્યાન રાખવું. આ સાથે શરીરમાં પાણી ઓછું ના થાય તે માટે તરસ ના લાગી હોય છતાં પાણી પીતા રહેવું જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.

Source link