અમદાવાદઃ વિદ્યાર્થીના મોઢામાં ડૂચો મારીને માર મારનારી બે શિક્ષિકાઓને ત્રણ વર્ષની જેલ!

 

અમદાવાદઃ શાળામાં વિદ્યાર્થીઓ પર હાથ ના ઉપાડવા અંગેના આદેશ બાદ પણ ઘણી સ્કૂલોમાં શિક્ષકો પોતાની ધાક જમાવવા માટે વિદ્યાર્થીઓ સાથે મારઝુડ કરતા રહે છે. આવો જ એક કિસ્સો સરખેજની એક સ્કૂલમાં બન્યો હતો જેમાં વિદ્યાર્થીને માર મારનારી બન્ને શિક્ષિકાઓને કોર્ટે આકરી સજા કરી છે. વિદ્યાર્થીની ટેવ સુધારવા માટે શિક્ષિકાઓ દ્વારા તેને ભારે સજા કરી હતી.આ કિસ્સામાં કોર્ટે આરોપી શિક્ષિકાઓ સામે જરુરી સરકારી પગલા ભરવા માટેનો પણ આદેશ આપ્યો છે.

રિપોર્ટ્સ મુજબ આ કિસ્સો સરખેજ વિસ્તારમાં આવેલી એક સ્કૂલનો છે કે જેમાં પાંચ વર્ષના બાળક દ્વાર વારંવાર પાણી પીવાની માગણી અને પછી લઘુશંકા કરવા જવાની રજૂઆતોના કારણે શિક્ષિકા કંટાળી ગઈ હતી. આ પછી બે શિક્ષિકાઓએ ભેગા થઈને માસૂમ વિદ્યાર્થીના મોઢામાં કાગળનો ડૂચો મારીને તેને ઊંધો લટકાવીને માર માર્યો હતો. આ મામલે ફરિયાદ થતા ગ્રામ્ય કોર્ટના જજ ટીએ ભાડજા દ્વારા બન્ને જુલમી શિક્ષિકાઓને ત્રણ-ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

વાલી સ્કૂલમાં પહોંચ્યા અને આંકચો લાગ્યો

ઘટના એવી છે કે વાલી જ્યારે પોતાના દીકરાને 22 જૂન 2017માં સ્કૂલે લેવા માટે ગયા ત્યારે શિક્ષિકા તરુણાબહેન મોહનભાઈ પરબતિયા અને નજમાબહેન ગુલામ હૈદર ગુલામ રસુલ શેખ તેના મોઢામાં કાગળનો ડૂચો મારીને ઊંધો લટકાવીને માર મારી રહ્યા હતા. જેથી વાલીએ આમ કરવા પાછળનું કારણ શિક્ષિકા તરુણાબહેન અને નજમાબહેને જણાવ્યું કે તમારો દીકરો વારંવાર પાણી પીવા અને લઘુશંકા માટે જાય છે જેના લીધે તેને સજા કરી છે. વાલીએ પોતાના દીકરાની તપાસ કરી તો જોયું કે તેના શરીર પર ચાંઠા પડી ગયા હતા.

વાલીએ પોતાના દીકરાની હાલત જોઈને તેની સારવાર કરાવી અને સરખેજ પોલીસ સ્ટેશનમાં બન્ને શિક્ષિકાઓના જુલમી વર્તન અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સરકારી વકીલ ધીરુ જે પરમાર દ્વારા તમામ પુરાવા અને સાક્ષીઓને કોર્ટમાં રજૂ કરીને જણાવ્યું કે, સામાન્ય બાબતમાં શિક્ષિકાઓ દ્વારા પાંચ વર્ષના બાળકને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે. મેડિકલ પુરાવામાં પણ માર માર્યો હોવાનું સાબિત થાય છે. આખી ફરિયાદમાં શિક્ષિકાઓ દ્વારા જુલમ ગુજાર્યો હોવાનું સાબિત થાય છે માટે શિક્ષકોમાં કાયદાનો ડર રહે અને સમાજમાં દાખલો બેસે તે માટે તેમને સજા કરવી જોઈએ.

જજ ટીએ ભાડજાની કોર્ટે તમામ પુરાવાના આધારે તરુણાબહેન અને નજમાબહેનને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફટકારવાનો આદેશ આપ્યો છે.

Source link