અદાણીએ CNGનો ભાવ વધાર્યો, પેટ્રોલ બાદ હવે ગેસના ભાવમાં પણ સેન્ચ્યુરી વાગશે?

 

અમદાવાદઃ ગુજરાતમાં સીએનજીના ભાવમાં (CNG Price Hike) સતત વધારો થઈ રહ્યો છે અને તેનો આંકડો પેટ્રોલ અને ડીઝલના ભાવની નજીક જઈ રહ્યો છે. સીએનજીની સાથે પીએનજીમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અદાણીએ સીએનજીના (Adani CNG) ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે અને તેની સાથે પ્રતિ કિલો ગેસનો ભાવ 73.09 રૂપિયા થઈ ગયો છે. સીએનજીના ભાવમાં વધારો થવાથી રિક્ષા ચાલકો અને અન્ય વાહનચાલકોને ફટકો પડી શકે છે. અદાણી સીએનજીના ભાવમાં વધારો થતા ફરી એકવાર રિક્ષા ચાલકો મેદાનમાં ઉતરીને વિરોધ-પ્રદર્શન કરી શકે છે.

અદાણીએ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરતા હવે ભાવ 73.09 રૂપિયા થઈ ગયા છે. સીએનજીના ભાવમાં વધારો થતા જે ઉદ્યોગોમાં કુદરતી ગેસનો ઉપયોગ થાય છે તેવા કમિકલ, ગ્લાસ, સિરામિક, એગ્રોકેમિકલ અને ટેક્સાઈલ પર ફટકો પડી શકે છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધના લીધે ક્રૂડ ઓઈલના પ્રતિ બેલર ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ વધારાના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સીએનજીના ભાવમાં વધારો થવાથી ફરી એકવાર રિક્ષા ચાલકો હડતાલની ચિમકી ઉચ્ચારવાની સાથે મિનિમમ ભાડામાં વધારો કરવાની માંગ કરી શકે છે.

નોંધનીય છે કે પાછલા મહિને રાજ્યના સીએનજી પમ્પ ધારકો હડતાળ પર ઉતરી ગયા હતા. જેમાં 1200 જેટલા સીએનજી પમ્પ ધારકોએ બે કલાક માટે સીએનજીનું વેચાણ બંધ રાખ્યું હતું. આ પાછળનું કારણ ઓઈલ કંપની અને ડીલર્સ વચ્ચે વેચાણના માર્જિને લઈને માથાકૂટ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.

આજે ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, આવામાં પરિણામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી તથા પીએનજીના ભાવમાં વધારો થવાથી તેની સીધી અસર બજાર પર પડશે અને મોંઘવારીમાં વધારો થવાની સંભાવના વધી જાય છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ ટ્વીટ કરી હતી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘ટાંકી ફુલ કરાવી લો. મોદી સરકારની ચૂંટણી ઓફર પૂરી થવા જઈ રહી છે.’

Source link