અંધવિશ્વાસ નહીં, આ ખાસ કારણથી 7 નંબરની જર્સી પહેરે છે મહેન્દ્ર સિંહ ધોની!

 

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) હંમેશા 7 નંબરની જર્સી પહેરીને રમવા ઉતર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ હોય કે પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) હોય પરંતુ ધોનીની જર્સીનો નંબર 7 જ રહ્યો છે. ધોની આઈપીએલ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે અને ત્યાં પણ તેની જર્સીનો નંબર 7 જ છે. જોકે, ધોનીનું કહેવું છે કે 7 નંબરની જર્સી તે અંધવિશ્વાસના કારણે નથી પહેરતો. આઈપીએલ-2022ની શરૂઆત અગાઉ ધોનીએ પોતાની જર્સી નંબર-7નો ખુલાસો કર્યો છે.

ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની માલિકીની કંપની ઈન્ડિયા સિમેન્ટ્સ (India Cements) દ્વારા આયોજીત એક વાતચીત કાર્યક્રમ દરમિયાન પ્રશંસકો સાથે વાતચીત કરતા ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ જર્સી નંબર 7નો ખુલાસો કર્યો હતો. ધોનીએ જણાવ્યું હતું કે, ઘણા લોકોએ શરૂઆતમાં વિચાર્યું હતું કે નંબર-7 મારા માટે એક નસીબદાર આંકડો છે. શરૂઆતમાં આ ઘણું જ સરળ હતું. મારી જન્મ તારીખ 7 જુલાઈ છે. સાતમાં મહિનાનો સાતમો દિવસ એ ઘણી સારી સંખ્યા છે. મેં કહ્યું હતું કે હું મારી જન્મ તારીખની પસંદગી કરીશ.

નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમ અને આઈપીએલનો સૌથી સફળ સુકાની છે. ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે 2007માં રમાયેલો પ્રથમ ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. જ્યારે 2011માં ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપ જીતી હતી. આ ઉપરાંત ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે અન્ય ઘણી મોટી ટુર્નામેન્ટ જીતી હતી. ધોની ટી20 અને વન-ડે વર્લ્ડ કપ તથા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતરનારો એકમાત્ર સુકાની છે.

જ્યારે આઈપીએલમાં ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સને ચાર વખત ચેમ્પિયન બનાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ટ્રોફી જીતી છે. આમ તે મુંબઈ બાદ સૌથી વધુ આઈપીએલ ટાઈટલ જીતનારી ટીમ છે. આ ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી વધુ આઈપીએલ ફાઈનલ રમવાનો રેકોર્ડ ધરાવે છે.

Source link